ડિજિટલ દુનિયાની સાથે સાથે વીજ વ્યવસ્થા પણ બદલાઇ

દુનિયાભરમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્ટ એજન્ટ્સ-દ્વારા કામ કરાવવાનો મોહ વધતો જાય છે. તેની પાછળ વીજળી પણ મોટાં પ્રમાણમાં વપરાય છે. જેને કારણે સંજોગો એવા સર્જાયા છે કે વીજળીની ખપતના મામલે AI ની ગણતરી હવે એક દેશની જેમ કરવામાં આવે છે. હકીકત તો એ છે કે ઘણાં દેશના વીજવપરાશ કરતાં AI નો વીજ વપરાશ અનેકગણો વધી ચૂક્યો છે અને યુરોપ અને યુએસમાં તો AI દ્વારા વીજ પુરવઠાની માંગને પહોંચી વળવા માટે વીજ કંપનીઓને જુના વીજ પ્લાન્ટ ફરી શરૂ કરવાની નોબત આવી છે.

ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના અંદાજ અનુસાર ૨૦૩૦ સુધીમાં AI અને તેને સંલગ્ન ડેટા સેન્ટર્સ દ્વારા વીજ વપરાશ ૯૪૫ ટેરાવોટ અવર સુધી પહોંચી જશે. હાલ નોર્વે જેવા દેશ વર્ષે ૧૩૦થી ૧૪૦ ટેરાવોટ અવર વીજળીનો વપરાશ કરે છે. જ્યારે પોર્ટુગલ ૫૦ અને ન્યુ ઝીલેન્ડ ૪૫ ટેરાવોટ અવર વીજળીનો વપરાશ કરે છે.
વીજળીનો વપરાશ દર વર્ષે ૧૫ ટકાના દરે વધશે
બીજા શબ્દોમાં કહીએ તો AI ને જો દેશ ગણીએ તો તે વીજ વપરાશને મામલે ઘણાં દેશોથી આગળ નીકળી જશે. નોર્વે જેવા દેશમાં પુરી વસ્તી, ઉદ્યોગ અને પરિવહન પાછળ વપરાતી કુલ વીજળી કરતાં ભવિષ્યમાં માત્ર એઆઇ અનેકગણી વધારે વીજળી વાપરશે.
AI ચલાવવા માટે વિશાળ ડેટા સેન્ટર્સની જરૂર પડે છે. જેમાં લાખો સર્વર ચોવીસે કલાક ચાલે છે. આમ, જ્યારે તમે AI ને કોઇ સવાલ કરો ત્યારે સર્વર સક્રિય બને છે અને આ સર્વર જેટલું કામ કરે તેટલી ઝડપથી તે ગરમ થાય છે. આ સર્વરને પણ ઠંડા રાખવા માટે મોટા પ્રમાણમાં વીજળીની જરૂર પડે છે.
આજ કારણે AI નો વપરાશ વધવા સાથે વીજળીની માંગ પણ સતત વધી રહી છે. અંદાજ અનુસાર ૨૦૨૪થી ૨૦૩૦ દરમ્યાન આ AI ડેટા સેન્ટર્સમાં વીજળીનો વપરાશ દર વર્ષે ૧૫ ટકાના દરે વધશે. અન્ય કોઇપણ સેક્ટર કરતાં વીજવપરાશની આ ગતિ અનેકગણી વધારે છે.